ઇઝરાયેલમાં વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટે નવી સરકાર રચવા માટે 4 મુખ્ય શરતો મૂકી છે. ઇઝરાયેલી મીડિયાના અહેવાલો મુજબ, આ શરતોમાં હરેદી (અલ્ટ્રા-ઓર્થોડોક્સ) સમુદાય માટે સૈન્ય સેવા ફરજિયાત કરવી, ઇઝરાયેલને યહૂદી અને લોકશાહી દેશ બનાવી રાખવો, આઝાદી વખતે નક્કી કરાયેલા સિદ્ધાંતોનું પાલન કરવું અને ગાઝામાંથી હમાસનું શાસન સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો સમાવેશ થાય છે.
27 ઓક્ટોબરની ચૂંટણીમાં કોઈ પણ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી નથી. 120 બેઠકો વાળી સંસદ (ક્નેસેટ) માં સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર છે. આઇઝનકોટની પાર્ટી 'યાશાર' 21 બેઠકો સાથે વિપક્ષી છાવણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. તેઓ બેન્જામિન નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા માટે વિવિધ રાજકીય પક્ષો સાથે સતત વાટાઘાટો કરી રહ્યા છે.
આઇઝનકોટની 4 મુખ્ય શરતો:
યહૂદી અને લોકશાહી ઓળખ: ઇઝરાયેલ યહૂદી અને લોકશાહી દેશ તરીકે જળવાઈ રહે, તમામ નાગરિકોને સમાન અધિકાર મળે અને કોઈપણ પ્રકારના ભેદભાવ માટે કોઈ સ્થાન ન હોય.
તમામ નાગરિકો માટે સૈન્ય સેવા: દેશના દરેક નાગરિક માટે લશ્કરી, રાષ્ટ્રીય અથવા નાગરિક સેવા ફરજિયાત બનાવવામાં આવે. હાલમાં હરેદી સમુદાયને લશ્કરી સેવામાંથી છૂટછાટ મળે છે, જેને આઇઝનકોટ નાબૂદ કરવા માગે છે.
1948ના સિદ્ધાંતોનું પાલન: નવી સરકાર આઝાદી સમયે નક્કી કરવામાં આવેલા લોકશાહી, સ્વતંત્રતા, ન્યાય અને સમાનતાના મૂલ્યો પર ચાલે. નેતન્યાહૂ સરકાર દ્વારા ન્યાયતંત્રમાં ફેરફાર કરવા અંગે લાવવામાં આવેલા વિવાદાસ્પદ કાયદાઓને રદ કરવાની વાત પણ કરવામાં આવી છે.
ગાઝામાંથી હમાસના શાસનનો અંત: ગાઝામાં હમાસની રાજકીય સત્તા અને લશ્કરી તાકાત સંપૂર્ણપણે ખતમ કરવામાં આવે. 7 ઓક્ટોબર 2023ના હુમલા બાદ ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીમાં વ્યાપક વિનાશ થયો છે અને મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે.
સરકાર રચવાની પ્રક્રિયા
ઇઝરાયેલના કાયદા મુજબ, સરકાર બનાવવા માટે પસંદ કરાયેલા નેતાને 28 દિવસનો સમય મળે છે, અને જરૂર પડે તો રાષ્ટ્રપતિ દ્વારા વધુ 14 દિવસ લંબાવી શકાય છે—એટલે કે કુલ 42 દિવસનો સમયગાળો મળે છે. આઇઝનકોટ રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સમક્ષ પોતાનો દાવો મજબૂત કરવા માટે અન્ય પક્ષોનું સમર્થન જુટાવી રહ્યા છે. બીજી તરફ, યાશાર પાર્ટીએ લિકુડ પાર્ટી પર પોતાના સાંસદોને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
ઇઝરાયેલમાં સત્તાની દોડ ભલે કોઈ પણ જીતે, પરંતુ ગાઝાના મુસ્લિમો પર ચાલી રહેલા અત્યાચારોનો સિલસિલો અટકતો દેખાતો નથી. આવામાં આઇઝનકોટની શરતો પણ એ જ સંકેત આપે છે કે ત્યાં વડાપ્રધાન બનવા માટેની પ્રાથમિક શરત નિર્દોષ મુસ્લિમોની હત્યા અને તેમના પર અત્યાચાર ચાલુ રાખવાની જ બની ગઈ છે.