હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે કે મેં અબ્બા જાન સૈયદુના અલી (રઝિયલ્લાહુ અન્હુ) ને પૂછ્યું કે હુઝૂર ﷺ પોતાના હમ-નશીનો (સાથીઓ) સાથે કેવી રીતે રહેતા હતા? આપ રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: "આપ ﷺ ખંદા-રૂ (હસમુખા), ખુશ-અખ્લાક (સદાચારી) અને નર્મ સ્વભાવના હતા. બદ-અખ્લાક્રી, કડક મિજાજ, અવાજ ઘોંઘાટ, અભદ્ર ભાષા, દોષારોપણ અને કંજૂસાઈથી પાક (મુક્ત) હતા. જે વાત કે કામ પસંદ ન હોય તો તેનાથી અલિપ્ત રહેતા; જો કોઈ બીજાને પસંદ હોય તો તેને મનાઈ કરીને નિરાશ ન કરતા, અને જો કોઈ અપ્રિય બાબતનું આમંત્રણ આપતું તો તેનો સ્વીકાર ન કરતા; બલ્કે સારી રીતે ના પાડી દેતા. ત્રણ બાબતોથી પોતાને સુરક્ષિત રાખતા: (૧) લડાઈ-ઝઘડો, (૨) અહંકાર (તકબ્બુર), (૩) નકામી અને વ્યર્થ વાત. અને ત્રણ બાબતોથી લોકોને બચાવી રાખતા: (૧) કોઈની બુરાઈ ન કરતા, (૨) કોઈના પર દોષ (ઐબ) ન લગાવતા, (૩) કોઈની ખામીઓ પણ શોધતા નહીં. એ જ વાત ફરમાવતા જેમાં સવાબ (પુણ્ય) ની આશા હોય અને જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) વાતચીત (તકલ્લુમ) ફરમાવતા તો સહાબા માથું નમાવીને સંપૂર્ણ ધ્યાનથી સાંભળતા, એવું લાગતું જાણે તેમના માથા પર પક્ષીઓ બેઠા છે (કે સહેજ પણ હલનચલનથી ઉડી જશે). જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મૌન ધારણ કરતા ત્યારે જ સહાબા કિરામ બોલતા. આપની સામે સહાબા કિરામ કોઈ વાત પર લડતા-ઝઘડતા નહીં અને કોઈ આપની સાથે વાત કરતું હોય તો બધા તેના પૂરા થવાની શાંતિથી રાહ જોતા, દરેકની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળતા. સહાબા કોઈ વાત પર હસતા તો આપ ﷺ પણ હસતા (મુસ્કુરાતા), તેઓ કોઈ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા તો આપ ﷺ પણ આશ્ચર્યચકિત થતા. કોઈ અજાણ્યો મુસાફિર કડક શબ્દોમાં વાત કરતો અને કંઈક માંગતો તો આપ ﷺ ધીરજ (તહમ્મુલ) થી કામ લેતા, (અને તેની વાતોનો સબ્ર સાથે જવાબ આપતા) ત્યાં સુધી કે સહાબા કિરામ આવા કોઈ બદૂ (ગામડાના માણસ) ને પકડી લાવતા, જેથી તેના પ્રશ્નોથી સહાબાને શૈક્ષણિક (ઇલ્મી) ફાયદો થાય. હુઝૂર ﷺ ફરમાવતા હતા: 'કે કોઈ જરૂરતમંદ સવાલીને જુઓ કે તે કંઈક માંગી રહ્યો છે તો તેની જરૂરિયાત પૂરી કરો.' કોઈની સાથેના સદવર્તન પર બિનજરૂરી પ્રશંસા સાંભળવી પસંદ ન કરતા, હા આભારના શબ્દો વ્યક્ત કરવાની હદ સુધી છૂટ હતી. કોઈની વાત વચમાંથી કાપતા નહીં; હા, જો કોઈ હદ વટાવી જતું તો તેને મનાઈ કરી દેતા અથવા ત્યાંથી ચાલ્યા જતા." (શમાઇલ અલ-તિર્મિઝી: ૩૩૬) (પુસ્તક: માસિક અશરફ ઉલ-જરાઇદ હૈદરાબાદ, સપ્ટેમ્બર પૃષ્ઠ: ૨૫ નકલ કર્તા: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ)
પ્રશંસકો
પ્રશંસકો
પ્રશંસકો
પ્રશંસકો