હવે અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે એ વિચારવાની જરૂર નહીં પડે કે સામેવાળી વ્યક્તિ કોણ છે. દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા તમામ ટેલિકોમ કંપનીઓને 1 નવેમ્બરથી કોલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ભારતની પોતાની વેરિફાઈડ કોલર સિસ્ટમ છે, જેમાં ફોનની સ્ક્રીન પર નંબરની સાથે સિમ કાર્ડ ધારકનું નામ પણ ડિસ્પ્લે થશે. આ સેવાનો મુખ્ય હેતુ ફેક કોલ દ્વારા થતી નાણાકીય ઠગાઈ પર લગામ લગાવવાનો છે.
કેવી રીતે કામ કરશે CNAP સર્વિસ?
અત્યાર સુધી ફોનમાં સેવ ન કરેલા અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે સ્ક્રીન પર માત્ર નંબર દેખાતો હતો.
CNAP સર્વિસ શરૂ થયા પછી નંબરની નીચે એ જ નામ દેખાશે, જેના નામે ટેલિકોમ કંપની પાસેથી સિમ ખરીદવામાં આવ્યું હશે.
જો કોઈ નંબર તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હશે, તો ફોનમાં સેવ કરેલું નામ જ દેખાશે.
અજાણ્યો નંબર હશે તો ટેલિકોમ કંપનીના સર્વર ડેટાબેઝમાં નોંધાયેલું નામ સ્ક્રીન પર ફ્લેશ થશે.
કયા યુઝર્સને મળશે લાભ?
આ સુવિધા હાલ 4G અથવા તેનાથી આગળની નવી જનરેશન (5G) સર્વિસ વાપરતા યુઝર્સ માટે શરૂ કરવામાં આવી રહી છે.
2G અને 3G યુઝર્સ માટે આ સેવા ક્યારથી ઉપલબ્ધ થશે, તેની વિગતો અલગથી જાહેર કરવામાં આવશે.
ઈન્ટરનેશનલ કોલની પણ થશે ઓળખ
વિદેશી નંબર પરથી કોલ આવે ત્યારે સ્ક્રીન પર નંબરની સાથે 'International Call' પણ લખેલું આવશે. આ માટે ટેલિકોમ કંપનીઓએ પોતાનો ડેટાબેઝ તૈયાર કરી લીધો છે. અત્યાર સુધી આ સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું.
સાયબર ફ્રોડ પર કેટલી અસર પડશે?
સાયબર ઠગો અવારનવાર બેંક કર્મચારી, સરકારી અધિકારી કે કોઈ જાણીતી કંપનીના પ્રતિનિધિ બનીને લોકોને જાળમાં ફસાવતા હોય છે. CNAP લાગુ થવાથી કોલ કરનારની સાચી ઓળખ સરળ બનશે. જોકે, માત્ર નામ દેખાવાથી દરેક ફ્રોડ કોલ અટકી જશે તેવી ગેરંટી નથી.
સાવચેતી જરૂરી: કોઈપણ અજાણ્યા કોલ પર પોતાની અંગત કે બેંકિંગ સંબંધિત વિગતો શેર કરવાનું ટાળો.