https://islamictube.in/new_site/public/images/news_images/1186_2026-11-01_islamictube.webp

રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનનું શક્તિ પ્રદર્શન

દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે INDIA ગઠબંધનની વિશાળ મહારેલી યોજાઈ હતી. મંચ પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ, CPI(M) ના મહાસચિવ એમ.એ. બેબી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા તથા લોકશાહી, સંવિધાન અને મતાધિકારની રક્ષા માટે એકજૂટ થવા આહ્વાન કર્યું હતું.

ખડગે: "જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, ત્યાં સુધી ચુપ નહીં બેસીએ"

ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર પર સીધો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે મોદી અને શાહે યુવાનો, મહિલાઓ અને દલિતોના મત છીનવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, "તેઓ જ્ઞાનેશ કુમાર મારફતે લોકોના વોટ ડિલીટ કરાવી રહ્યા છે. અમે તેમને પદ પરથી હટાવવા માટે જ અહીં એકઠા થયા છીએ. નરેન્દ્ર મોદી ગમે તેટલા પ્રયાસો કરી લે, જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રાખીશું."

તેજસ્વી યાદવ: "આ લડાઈ મતદારો અને ચીટરો વચ્ચે છે"

તેજસ્વી યાદવે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે આઝાદીની લડાઈમાં જેમની કોઈ ભૂમિકા નહોતી, તેઓ આજે દેશભક્તિના સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે અને હવે તેઓ નક્કી કરી રહ્યા છે કે કોણ વોટ આપશે અને કોણ નહીં. તેમણે આ સંગ્રામને પ્રામાણિક મતદારો અને વ્યવસ્થામાં ગરબડ કરનારા "ચીટરો" વચ્ચેનો જંગ ગણાવ્યો હતો.

એમ.એ. બેબી: "મોદી અસત્યના મહારાજા"

CPI(M) ના રાષ્ટ્રીય મહાસચિવ એમ.એ. બેબીએ વડાપ્રધાનને "અસત્યના મહારાજા" ગણાવતા કહ્યું કે તેઓ મહિલાઓ અને ખેડૂતો સહિત તમામ દેશવાસીઓ સાથે અસત્ય બોલે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશમાં ફાસીવાદ નહીં ચાલે અને "વોટ ચોરી" રોકવા તથા બંધારણના રક્ષણ માટે સૌએ મળીને લડવું પડશે.

ફારુક અબ્દુલ્લા: "કોઈપણ ભારતીય મતાધિકારથી વંચિત ન રહેવો જોઈએ"

ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ ભારતીય છે અને બંધારણમાં સૌ સમાન છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષ એટલા માટે કરવો પડશે જેથી દેશનો કોઈ પણ નાગરિક પોતાના વોટ આપવાના અધિકારથી વંચિત ન રહે. તેમના જણાવ્યા અનુસાર, જો કોઈ રાજ્ય વિકાસમાં પાછળ રહી જશે તો દેશ મજબૂત બની શકે નહીં, અને "જમ્મુ-કાશ્મીર ગઈકાલે પણ ભારતનું હતું અને ભવિષ્યમાં પણ રહેશે."